Thursday, January 30, 2014

અમર જ્યોત-વિશ્ર્વની શ્રેષ્ઠ વાર્તા

અમર જ્યોત
વિશ્ર્વની શ્રેષ્ઠ વાર્તા - મૂળ લેખક: કોન્સ્ટાટીન સિમોનોવ
એક યુગોસ્લાવ માની છેલ્લી જણસ - એ મીણબત્તી, જે દુલ્હન બની ત્યારે મળી હતી - એક રશિયન સંતાનની કબર પર સતત પ્રજ્વલિત થઈ રહી હતી
 
૧૯મી સપ્ટેમ્બર, ૧૯૪૪ના દિવસે આ ઘટના બની હતી. બેલ્ગ્રેડ પર તો કબજો જમાવી દીધો હતો. માત્ર સાવા નદીનો પુલ અને પુલની રક્ષા કરતો નાનકડો કિલ્લો જ જર્મનોના હાથમાં બચ્યો હતો. 
એ દિવસે સવાર પડતાં જ લાલ સેનાના પાંચ સૈનિકોએ બિલ્લીપગે પુલ પર પહોંચવાનો નિર્ણય કર્યો. રસ્તામાં એક નાનો ચોક આવતો હતો તેમાં કેટલીક અડધી બળેલી ટેંકો અને બખ્તરબંધ ગાડીઓ પડી હતી, આપણી અને દુશ્મનોની પણ. ચોકનું એકપણ ઝાડ સલામત નહોતું બચ્યું. બધે ઠૂંઠાં જ ઠૂંઠાં દેખાતાં હતાં. એવું લાગતું હતું કે કોઈ રાક્ષસી હાથે એનાં પાંદડાં ઉડાવીને એને માણસો જેવાં કરી નાખ્યાં હતાં.
આપણા સૈનિકો ચોકની વચ્ચે પહોંચ્યા ને સામે છેડેથી ગોળીબાર શરૂ થઈ ગયા. અડધા કલાક સુધી તેઓ જમીન પર પડ્યા રહ્યા અને ગોળીબાર થતો રહ્યો. જ્યારે ગોળીબાર અટક્યો ત્યારે બે સૈનિકોએ જે ઓછા ઘાયલ થયા હતા તેઓ બે વધારે જખ્મી સૈનિકોને ખેંચીને પાછા લઈ ગયા. પાંચમો ત્યાં ચોકમાં જ પડ્યો રહ્યો. તે મરી ગયો હતો.
એના વિશે વધારે માહિતી નથી મળી. એટલું જ કે તેનું નામ સૈનિકોની યાદીમાં ચેકુલાયેવ લખાયેલું હતું અને લખ્યું હતું કે એ સાવા નદીને કિનારે બેલગ્રેડમાં માર્યો ગયો.
પાંચ લાલ સૈનિકોએ બિલ્લીપગે પુલ સુધી પહોંચવા પ્રયત્ન કર્યો તેથી જર્મનો વિના કારણે ગભરાઈ ગયા અને પછી થોડી થોડી વારે આખો દિવસ ચોક અને આસપાસના રસ્તા પર ગોળા નાખતા રહ્યા.
ટુકડીના કમાંડરને ઓર્ડર હતો કે કાલે સૂર્યોદય થતાં જ ફરીથી પુલ સુધી પોહંચવા પ્રયત્ન કરવો. તેણે કહ્યું કે ચેકુલાયેવની લાશને લાવવા માટે ચોકમાં જવાની જરૂર નથી. પુલ પર કબ્જો મેળવ્યા પછી એને ચોકમાં જ દફનાવવામાં આવશે.
જર્મનોએ આખો દિવસ, સાંજે અને રાતે પણ ગોળા વરસાવવાના ચાલુ રાખ્યા.
ચોકના છેવાડે, બીજાં ઘરોથી દૂર, ટેકરા પર ખંડેર જેવું કંઈક હતું, એને જોવાથી બિલ્કુલ ખ્યાલ ન આવે કે ત્યાં પહેલાં શું હતું. એ વિચારવું પણ મુશ્કેલ હતું કે કોઈક ત્યાં રહેતું હશે.
પણ ત્યાં ખંડેરોના ઢગની નીચે, ભોંયતળિયે એક ડોશી રહેતી હતી. એનું નામ હતું મારિયા યોકિમ. ભોંયતળિયે જવાનો રસ્તો એક અંધારા નાળિયામાંથી હતો, એનું અડધું મોં ઈંટોથી ઢાંકેલું હતું.
પુલનો ચોકીદાર એટલે કે પોતાના પતિના મૃત્યુ પછી એ મકાનના બીજા માળે બચેલા કમરામાં રહેતી હતી. જ્યારે બીજો માળ તૂટી ગયો તડ્ તે પહેલા માળે રહેવા લાગી, બીજા સભ્યો તો ઘર છોડીને ભાગી ગયા હતા અને પહેલો માળ પણ તૂટી પડ્યો તો તે ભોંયતળિયે રહેવા લાગી.
૧૯ તારીખે ભોંયતળિયે રહેવા આવ્યાને ચોથો દિવસ હતો. એ સવારે એણે પાંચ રશિયન સૈનિકોને જમડસરસા થઈને ચોક તરફ જતા જોયા હતા. તેની અને ચોકની વચ્ચે લોખંડની જાળી હતી, જે હવે ટૂટીફૂટી થઈ વેરણછેરણ થઈ ગઈ હતી. તેણે જોયું કે જર્મનો ગોળા વરસાવી રહ્યા છે ને આજુબાજુ સુરંગો ફૂટી રહી છે. પોતાના ઘરેથી નીકળી એ એમને બોલાવવા માટે અડધે દૂર સુધી જમીનસરસી ઘસડાતી ગઈ. એને વિશ્ર્વાસ હતો કે તે જ્યાં રહે છે ત્યાં એટલું જોખમી નથી, પણ એટલામાં ખંડેરો પાસે એક સુરંગ ફૂટી. ધડાકાથી એના કાન બહેર મારી ગયા. એ પાછળ ઊછળીને પડી. દીવાલ સાથે એનું માથું પછડાયું અને એ બેભાન થઈ ગઈ.
જ્યારે તેને ભાન આવ્યું, તેણે માથું ઉપર કરીને જોયું તો પાંચમાંથી માત્ર એક સૈનિક એને ચોકમાં પડેલો દેખાયો. એ પડખું ફરીને પડ્યો હતો. એક હાથ માથા નીચે હતો અને બીજો હાથ લંબાવેલો હતો. એવું લાગતું હતું કે તે આરામથી સૂઈ ગયો છે. ડોસીએ ઘણી વાર બોલાવ્યો પણ એને કોઈ જવાબ ન મળ્યો. તેને લાગ્યું કે સૈનિક મરી ગયો છે.
જર્મનોએ ફરીથી ગોળા વરસાવવા શરૂ કર્યા હતા અને નાના એવા ચોકમાં દરેક જગાએ સુરંગો ફૂટતી હતી. ટેકરા પર ધુમાડાનું વાદળ ઊડતું. બોમ્બમાંથી લોખંડની કરચો ઊડતી અને વૃક્ષોની બચેલી ડાળીઓને ઉડાવી દેતી. રશિયન સૈનિક ખુલ્લા ચોકની વચ્ચે પડ્યો હતો એકલો, એક હાથનું ઓશીકું બનાવીને ને આસપાસ લાકડાં અને લોખંડનો ભંગાર તથા કાટમાળથી ઘેરાઈને.
ડોસી મારિયા યોકિમ મૃત સૈનિકને લાંબા સમય સુધી તાકી રહી. તેને કોઈકને આ સમાચાર આપવા હતા પણ આસપાસમાં એકપણ જીવ બચ્યો ન હતો. એટલે સુધી કે એની બિલાડી પણ. એ ચાર દિવસથી એની સાથે ભોંયતળિયે રહેતી હતી. હવે મરેલી પડી હતી. છેલ્લા વિસ્ફોટથી એક ઈંટનો ટુકડો ઊડીને એના પર પડ્યો ને બિલાડી ખતમ થઈ ગઈ. ડોસીએ ઘણા સમય સુધી વિચાર્યું અને પછી પોતાની પોટલીને તપાસી. એમાંથી કોઈ ચીજ બહાર કાઢી, પોતાની વૈધવ્યસૂચક કાળી કામળીમાં જલદીથી છુપાવી દીધી અને ધીમે ધીમે ચાલતી ભોંયતળિયામાંથી બહાર આવી.
જમીનસરસા પેટે ઘસડાવું એને ફાવે તેમ નહોતું. એ દોડી પણ નહોતી શકતી. એ ધીમે ધીમે ડગલાં ભરતી, ડગુમગુ ચાલે ચોક તરફ ચાલી. બચેલી લોખંડની વાડ વચ્ચે આવતી, ને તેનો રસ્તો અવરોધાતો તો એને કૂદીને એ પાર નહોતી જતી. ઘડપણ એને એમ કરતાં રોકતું. એ ફરીને લાંબા રસ્તે એને પાર કરતી. આમ કરતાં કરતાં એ ચોકમાં પહોંચી.
જર્મનો હજુયે ગોળા વરસાવતા હતા પણ ડોસીની પાસે એકેય બોમ્બ નહોતો પડ્યો.
ચોકની વચ્ચે જઈને એ રશિયન સૈનિક પાસે પહોંચી, તે મરેલો પડ્યો હતો. ખૂબ મુશ્કેલીથી તેણે સૈનિકને સીધો સુવાડ્યો. એના ચહેરા તરફ જોયું. એ હજુ યુવાન જ હતો અને એકદમ ફિક્કો પડી ગયો હતો. તેણે યુવાનના માથે હાથ ફેરવ્યો એના અક્કડ થઈ ગયેલા હાથ મહામહેનતે સીધા કરી છાતી પર ગોઠવ્યા. પછી એ સૈનિકની બાજુમાં બેસી ગઈ.
જર્મનો હજુયે ગોળા વરસાવતા હતા પણ પહેલાંની જેમ જ હજુયે બોમ્બ એનાથી દૂર પડતા હતા.
આમ, એ સૈનિકની પાસે બેઠી રહી. એક કલાક કે કદાચ બે કલાક. એકદમ ચૂપચાપ.
ઠંડી અને સન્નાટો છવાયેલાં હતાં. એનો ત્યારે જ ભંગ થતો જ્યારે કોઈ બોમ્બ ફાટે.
છેવટે ડોસી ઊભી થઈ. મૃત સૈનિકથી થોડે દૂર જઈને આમતેમ જોયું. છેવટે એને જે જોઈતું હતું તે મળી ગયું. બોમ્બ ફાટવાથી એક મોટો ખાડો પડેલો, એ તેને દેખાયો. થોડા દિવસ પહેલાં બોમ્બ ફાટેલો. અત્યારે એ ખાડામાં પાણી ભરાયેલું હતું.
ડોસી ખાડા પાસે બેઠી અને નમીને પોતાના હાથે પાણી ઉલેચવા લાગી. થાકી જાય તો થોડી વાર એમ ને એમ બેસી રહેતી અને પછી ફરીથી પાણી ઉલેચવાનું શરૂ કરતી. છેવટે ખાડામાંથી પાણી ઉલેચાઈ ગયું. પછી તે ઊઠી અને મૃત સૈનિકની પાસે આવી. એને બાવડેથી ઝાલીને, જેમ તેમ ખેંચીને ખાડા તરફ જવા લાગી.
ખાડો દસ ડગલાંથી વધારે દૂર ન હતો, પણ તેનું શરીર વૃદ્ધ થયું હતું. ત્રણ વાર તો તે થાકીને બેસી ગઈ. છેવટે ખાડા સુધી પહોંચી. એને ખાડામાં ઉતારીને સુવડાવવામાં એટલું જોર લગાવવું પડ્યું કે તે એકદમ થાકી ગઈ અને ઘણી વાર સુધી, કદાચ એકાદ કલાક. ત્યાં બેઠી બેઠી હાંફતી રહી. 
જર્મનો હજુયે ગોળા વરસાવતા હતા અને એમના બોમ્બ હજીયે ડોસીથી દૂર પડતા હતા.
હાંફ બેસતાં તે ઘૂંટણિયે બેઠી, ક્રોસનું ચિહ્ન બનાવ્યું તથા મૃત સૈનિકનાં હોઠ અને માથું ચૂમ્યું.
પછી, ધીરે ધીરે ભીની માટી એ ખાડાની આસપાસ પડેલી હતી એનાથી ખાડો પૂરવા માંડ્યો. થોડી વારમાં જ લાશ પૂરી ઢંકાઈ ગઈ. પણ એનાથી એને સંતોષ ન થયો. એને તો વ્યવસ્થિત રીતે કબર બનાવવી હતી. થોડી વાર થાક ઉતાર્યા પછી ફરી તેણે માટી નાખવી શરૂ કરી. થોડા કલાક સુધી આમ જ એક એક મુઠ્ઠી માટી નાખતી રહી. છેવટે એક ટેકરા જવું બન્યું.
જર્મનોનું બોમ્બાર્ડિંગ ચાલુ જ હતું, પણ એમના બોમ્બ, પહેલાંની જેમ જ, એનાથી દૂર પડતા હતા.
ટેકરો બનાવ્યા પછી એણે પોતાની વૈધવ્યસૂચક કાળી શાલની અંદર એક ચીજ બહાર કાઢી. તે પોતાના ઘરેથી સાથે લઈને આવી હતી. એ ચીજ હતી - એક મોટી મીણબત્તી. આજથી પિસ્તાળીસ વર્ષ પહેલાં એ દુલ્હન બની હતી ત્યારે એને બે મોટી મીણબત્તી મળી હતી એમાંની આ એક હતી. પોતાનાં લગ્ન પછી એણે સાચવીને રાખી હતી.
એણે પોતાના ખિસામાં હાથ નાખ્યો અને એક દીવાસળી શોધી કાઢી. મીણબત્તીને કબરના માથાના ભાગે ગોઠવી અને દીવાસળીથી એને પ્રગટાવી. મીણબત્તી સળગવા લાગી. રાત્રિ શાંત હતી અને મીણબત્તીની જ્યોત હાલ્યાચાલ્યા વિના સીધી જ સળગતી હતી. મીણબત્તી પ્રગટાવ્યા પછી એ કબર પાસે બેઠી રહી. એકદમ પૂતળાની જેમ પોતાની શાલ નીચે બે હાથ જોડીને.
દૂર સુરંગો ફૂટતી તો જ્યોત થોડી ધ્રૂજી જતી પણ ઘણી વાર એવું થતું કે બોમ્બ નજીક આવીને પડતા. ત્યારે એ બુઝાઈ જાતી અને એક વાર તો ધડાકાથી નીચે પણ પડી ગઈ. દર વખતે ડોસી દીવાસળી કાઢતી અને ધૈર્યથી જરાયે અકળાયા વિના ફરીથી પ્રગટાવતી.
રાત વીતવા લાગી. મીણબત્તી અડધી થઈ ગઈ હતી. આજુબાજુ ખોળવા - ફંફોસવાથી ડોસીને પતરાનો એક કાટ ખાધેલો ટુકડો મળી આવ્યો. પોતાના ઘરડા અને નબળા હાથોથી જોર કરીને એણે ટીનના ટુકડાને વાળ્યો. અને પછી મીણબત્તીની આસપાસ જમીનમાં જડી દીધો. જ્યોતને પવન-હવાથી બચાવવા માટે ટીનના પતરાની આડશ લગાવ્યા પછી તે ઊભી થઈ અને ધીમે ધીમે ડગલાં ભરતી ચોક પાર કરીને જેવી રીતે આવી હતી એવી જ રીતે ચાલી ગઈ. લોખંડની વાડને સલામત રીતે પહેલાંની જેમ જ ફરીને પાર કરી અને પોતાના ભોંયતળિયે પાછી પહોંચી ગઈ.
સૂર્યોદયની પહેલાં જ, ભારે બોમ્બવર્ષાની વચ્ચે જેમાં લાલ સૈનિક ચેકુલાયેવ હતો એ ટુકડીએ ચોક પાર કરીને પુલ પર કબ્જો જમાવી દીધો.
એના એક-બે કલાક પછી અજવાળું થયું. આપણી ટેંકો, પગપાળા ચાલતી સેના સાથે બીજા કિનારા તરફ આગળ વધી રહી હતી. એ તરફ લડાઈ ચાલી રહી હતી અને હવે ચોકમાં સુરંગો વરસતી નહોતી.
ત્યારે ટુકડીના કમાંડરને ચેકુલાયેવ યાદ આવ્યો. કેટલાક સૈનિકોને એને શોધવા અને દફનાવવા રવાના કર્યા: એ સવારે જે સૈનિકો માર્યા ગયા હતા, એ બધાની સાથે એને પણ દફનાવવાનો હતો.
ચેકુલાયેવની લાશ માટે તેઓ ખૂણે ખૂણે શોધી વળ્યા પણ ન મળી. અચાનક એક સૈનિક ચોકના એક કિનારે ઊભો રહી ગયો. અને એના મોંમાંથી આશ્ર્ચર્યજનક અવાજ નીકળ્યો. તેણે બીજા સાથીઓને બોલાવ્યા. એમાંથી કેટલાક આવ્યા.
ત્યાં જુઓ પેલા સૈનિકે કહ્યું.
બધા ત્યાં જોવા લાગ્યા.
ટૂટેલી વાડ પાસે બોમ્બ ફાટવાથી પડેલો ખાડો દેખાતો હતો, તેમાં બનાવેલી કબર દેખાતી હતી. ટીનના પતરાની આડશે મીણબત્તી લગભગ પૂરી થઈ ગઈ હતી. એના મૂળમાં પીગળેલું મીણ પડ્યું હતું અને નાનકડી જ્યોત હજુયે ટમટમતી હતી.
કબરના માનમાં સૈનિકોએ તરત માથું ઝુકાવી દીધું. તેઓ કબરની આસપાસ ઊભા હતા. અને નાની થતી જ્યોતને જોઈ રહ્યા હતા. એ લોકો એટલા અભિભૂત હતા કે કંઈ બોલી શકતા નહોતા.
ત્યાં ચોકમાં ઊંચી વૃદ્ધ ડોસી દેખાઈ. એણે કાળી શાલ ઓઢી હતી. એમને પહેલી વાર દેખાઈ. એ આ તરફ જ આવી રહી હતી. સૈનિકો પાસેથી પસાર થઈને એ ચૂપચાપ કબર પાસે ઝૂકીને બેઠી અને પોતાની શાલ નીચેથી એક બીજી મીણબત્તી બહાર કાઢી. પહેલાં સળગી ગયેલી મીણબત્તી જેવી જ આ મીણબત્તી હતી, તેણે નવી મીણબત્તી પ્રગટાવી અને જૂની મીણબત્તીની જગાએ જમીન પર ગોઠવી દીધી. પછી તે જ્યારે ઊભી થવા ગઈ તો એનાથી ઝડપથી ઊભા ન થવાયું, પાસે ઊભેલા સૈનિકે એને સહારો આપ્યો અને ઊભી કરી.
હજીયે તે ચૂપ હતી. તેણે બધા સૈનિકો સામે જોયું. બધા માથું નમાવી ઊભા હતા. અને તેણે માથું નમાવી બધાનું અભિવાદન કર્યું. પછી પોતાની કાળી શાલ બરાબર ઓઢી સૈનિકો કે મીણબત્તી તરફ ધ્યાન આપ્યા વગર જ્યાંથી આવી હતી તે તરફ ચાલવા લાગી.
સૈનિકોની આંખો તેને જતી જોઈ રહી. પછી એ લોકો ધીમા અવાજે વાતો કરવા લાગ્યા જાણે કે તેમને નિ:સ્તબ્ધતાનો ભંગ કરતાં ડર ન લાગતો હોય? તેઓ ડોસીથી વિરુદ્ધ દિશામાં સાવા નદીના પુલ તરફ ચાલવા માંડ્યા, જ્યાં એમની ટુકડી હતી અને લડાઈ ચાલી રહી હતી.
કબર પર, દારૂગોળાથી કાળી પડી ગયેલી માટીની વચ્ચે, લોખંડ-લાકડાના કાટમાળ વચ્ચે એક યુગોસ્લાવ માતાની છેલ્લી જણસ - એ મીણબત્તી, જે દુલ્હન બની ત્યારે મળી હતી - એક રશિયન સંતાનની કબર પર સતત પ્રજ્વલિત થઈ રહી હતી.
અને એની જ્યોત ક્ષીણ કે બુઝાવવાની નહોતી પણ અમર જ્યોત હતી. માનાં આંસુ અને એની સંતાનની વીરતાની જેમ અમર અને સનાતન.
-------------
કોન્સ્ટાટીન સિમોનોવ
આ લેખક જાણીતા રશિયન કવિ, નવલકથાકાર અને વૉર જર્નલિસ્ટ. એમના પિતાએ ક્રાંતિમાં ભાગ લીધેલો. એમનાં કાવ્યો યુદ્ધના સંવાદદાતા તરીકે કરેલા પ્રવાસમાંથી નીપજ્યાં. સાહિત્યકાર તરીકે એમણે દેશ-વિદેશના પ્રવાસો કર્યા. રશિયન સાહિત્યના અગ્રણી સાહિત્યકાર બની રહ્યા.
----------
વાર્તાની વિશિષ્ટતા
લેખકે જાતે જોયેલા યુદ્ધને લીધે અહીં યુદ્ધના વર્ણનમાં આબેહૂબ વાતાવરણ ઊભું થાય છે. આખી વાર્તામાં યુદ્ધ દરમ્યાન રચાતું ભયાનક અને નિ:સ્તબ્ધ વાતાવરણ છવાયેલું રહે છે. અને યુદ્ધમાં પણ માનવતાની જ્યોત કેવી પ્રગટે છે તે પ્રતીકાત્મક રીતે લેખક સૂચવે છે. માનવપ્રેમ જાતિ કે દેશની સીમા નથી જોતો. એક યુગોસ્લાવ માતા રશિયન સૈનિકની કબર રચી તેના પર પોતાને લગ્નમાં મળેલી મીણબત્તી પ્રગટાવે છે જાણે કે યુદ્ધ અને બર્બરતા પર, હિંસા પર ભાવનાનો, પ્રેમનો, માનવતાનો વિજય થાય છે. હકીકતમાં, આપણે ગુજરાતીઓએ યુદ્ધ તો જોયું જ નથી. યુદ્ધની બિભીષિકાનો આપણને પરિચય નથી. પણ બબ્બે મહાયુદ્ધો અને ક્રાંતિમાંથી પસાર થયેલા રશિયાના લેખકોમાં યુદ્ધનું વાતાવરણ છવાયેલું જોવા મળે એ સ્વાભાવિક છે. જાત અનુભવમાંથી નીપજેલું સાહિત્ય કેટલું અસરકારક નીવડે છે એ જોવું હોય તો રશિયન સાહિત્ય એનું ઉદાહરણ છે. યુદ્ધના મોરચાનો અનુભવ હોય અને વાર્તા લખાય તેમાં અને ડ્રોઈંગરૂમમાં ટીવી સામે બેસી કોફી પીતાં પીતાં વાર્તા લખાય તેમાં - અનુભૂતિની સચ્ચાઈમાં - જમીન આસમાનનો ફરક પડી જાય છે. કેટલા બધા રશિયન લેખકો વિશ્ર્વસાહિત્યમાં સ્થાન પામ્યા છે - ટોલ્સ્ટોય, ચેખોવ, ગોર્કી, ટર્ગનેવ, દોસ્તોયેવ્સ્કી, સોલ્ઝેનિત્સીન ને આપણા ગુજરાતી લેખકો - જવા દો, આગળ નથી વિચારવું. એક પ્રજા તરીકે આપણી પાસે પણ, કોમી રમખાણોના ભયાનક અનુભવો છે, પણ તેને વિશ્ર્વકક્ષાએ મૂકી આપે એવી સર્જકતા ક્યાં છે? આપણું સાહિત્ય એકદંડિયા મહેલમાં રચાતું સાહિત્ય છે ને એટલે જ પ્રજા સાથે તેને બહુ સંબંધ નથી.

No comments:

Post a Comment